ચહેરો

ગમે ત્યારે અસ્ત થાય એવી આ ઢળતી ઉંમર,
સારા-નરસા અનુભવોને લીધે સફેદ થઇ ગયેલા વાળ,
આખી જિંદગીનો ભાર વેઠીને થાકી ગયેલી આંખો,
રંગહીન, દ્રષ્ટિહીન આંખો,
અને છતાં
એ આંખોમાં તગતગતાં રંગીન ચહેરાઓ,
ઉદય અને અસ્ત પામતાં નાશવંત ચહેરાઓ,
ખુદ સમયનો માર ખા ઇને કરચલીઓ પાડી ચુકેલા લાખો ચહેરાઓ
પરંતુ આ ચહેરાઓની વચ્ચે
ધ્રુવના તારાની જેમ,
વર્ષોથી અડીખમ એક નિર્દોષ સોહામણો મનગમતો ચહેરો
કોણ જાણે કેમ
પરંતુ સમયે પોતાની પીંછીંથી તેના પર એક લકીર પણ આંકી નથી
શું નિર્મમ સમય પણ પ્રેમિકાની બાબતમાં આટલો બધો કોમળહ્રદયી હશે?

હજીયે યાદ છે

નામ જોડાયુ હતું કોઇના નામ આગળ, હજીયે યાદ છે.
મન ભાગ્યુ હતું કોઇના સ્વપ્ન પાછળ, હજીયે યાદ છે.
ખબર પડી તરવા કરતાં ડૂબવાનો લહાવો અનેરો હતો
જ્યારે પ્રેમ સાગરના દેખાયા હતા તળ, હજીયે યાદ છે.
એની મૃદુતા, સ્નિગ્ધતાનો તોલ હું કઇ રીતે કરી શકું.
ખુદ જળને પણ ભરવું પડતું હતુ જળ, હજીયે યાદ છે.
ચૈત્રમાં મેઘરાજની મહેરનો સાક્ષી હું ખુદ છુ
ભુલથી આંખોમાં આંજી શું દીધુ કાજળ, હજીયે યાદ છે.
ભલે એમનો સાથ નહોતો અમારી સાથે દિન-રાત
વિતાવી હતી સંગાથે કેટલીક નાની પળ, હજીયે યાદ છે.
મને શું ખબર ક્યારેક સાચી પણ પડી શકે છે
એનાથી છુટા પડવાની બાંધી હતી અટકળ, હજીયે યાદ છે.
અમને એક કરવાના વચને બંધાયો હતો, છતાં
સમયે આ કર્યુ કેવું નિર્મમ છળ, હજીયે યાદ છે.
આંસુઓ વીણી વરસાવી હતી ગઝલો ધોધમાર
છતાંય રહી ગયો હતો કોરો કાગળ, હજીયે યાદ છે.

સાંભરે છે તુ

કોયલ ટહુકે અને સાંભરે છે તુ
ફૂલો મહેકે અને સાંભરે છે તુ
શ્રાવણની હાથતાળી રમતી
વીજળી ઝબૂકે અને સાંભરે છે તુ
લીલીછમ ઘટાનો પાલવ ઓઢીને
આવે વસંત અને સાંભરે છે તુ
તને ભુલવા કરું છુ હું
પ્રયત્નો અનંત અને સાંભરે છે તુ

તારી યાદમાં

મીઠું-મધુરુ મલકાયો તારી યાદમાં
આંસુઓથી છલકાયો તારી યાદમાં
નહોતુ જવુ ફરી તારી દુનિયામાં
અજાણી શક્તિથી સરકાયો તારી યાદમાં
ત્રસ્ત થયો હતો સંસારના તાપથી
ભર ગ્રીષ્મમાં ભીંજાયો તારી યાદમાં
યાદ આવે પણ તુ ન આવે એટલે
ભર વસંતમાં સુકાયો તારી યાદમાં
કોની હિંમત હતી મને અડકી પણ શકે
મરણતોલ ઘવાયો તારી યાદમાં
દિવાનાઓના પ્રદેશનો થયો શહેનશાહ
બન્યો સૌથી સવાયો તારી યાદમાં

તમારી એ યાદો

અત્યાર સુધી જીવ્યા તમારે સહારે
તમારી એ યાદોના સહારે જીવશું
તમ ગયા પછી ભુલ્યા જીવન જીવતા
તમારી એ યાદોમાં પળ પળ મરશું
ડૂબ્યા હતા તમારા રૂપના દરિયામાં
તમારી એ યાદોના સમંદરમાં તરશું
પાંપણ પર ઊંચકી રાખ્યા’તા તમને
તમારી એ યાદોને આંખોમાં ભરશું
એકલતાની વાત કોઠે પડી છે
તમારી એ યાદોના ઉપવનમાં ફરશું
માન્યા હતા તમને ખુદાથી વધારે
તમારી એ યાદોની બંદગી કરશું