તે-2

એની તો વાત જ શી કરૂ? એને મહાન શિલ્પી દ્વારા કંડારાયેલી આરસની પ્રતિમા કહુ કે પછી કોઇ ચિત્રકાર દ્વારા અપાયેલા રંગોની છટા! એ તો ગુલાબની ખીલું-ખીલું થતી કળી પરના ઝકળના બુંદ જેવી છે. એને હું શ્રાવણના પહેલા વરસાદનું નામ આપું કે પછી કોઇ પાગલ કવિ દ્વારા રચાયેલી કવિતાના પ્રથમ શબ્દનું. જ્યારે તે પોતાના વાળની લટોને વીખે છે ત્યારે ખુસ સુર્ય પણ આથમી જવા માટે મજબૂર થાય છે. શ્રાવણના ગરજતા વાદળોમાં પુરાયેલી કાળી શાહી તેની ઝુલ્ફો પાસેથી ઉધાર માંગેલી લાગે છે. એના વાળ્ની સુંવાળપ જોઇને રેશમની આંટી પણ પ્રતિસ્પર્ધી બનવા માટે ખચકાય છે. આંખો તો બિલકુલ એક હરણબાળ જેવી છે પરંતુ તેની આંખોની માદકતા જોઇને ગર્જના કરતો ભૂખ્યો સિંહ પણ એકદમ શાંત પડી જાય.આંખોમાં પડતી આછા ભૂરા રંગની ઝાંય એટલી ગહનતા સૂચવે છે કે કોઇ શીઘ્ર કવિ પણ પોતાની હાર કબૂલી લે. પરવાળા શા હોઠ જોઇને એમ જ થાય કે કમળની બે કળીઓ એકબીજા સાથે લપેટાયેલી છે કે શું? તેના ગાલની નરમાશ તો મખમલને પણ ભુલાવી દેવા માટે સક્ષમ છે. કદમ્બના વૃક્ષોની ડાળીઓને આટલો સરસ આકાર કેવી રીતે મળ્યો? આ પ્રશ્નનો ઊત્તર તેના બાહુને જોઇને મળી જાય છે. તેનો કટિપ્રદેશ જોઇને નદીઓના સુંદર વળાંકોનું રહસ્ય છતું થઇ જાય છે તે જ્યારે હસે છે ત્યારે ફૂલો પણ ભોંઠપ અનુભવે છે. જ્યારે શરમાય ચે ત્યારે ચૈત્ર મહિનામાં પણ શ્રાવણની આહલાદકતા અનુભવાય છે. તે જ્યારે પોતાના સુંવાળા હાથોથી વાળની લટોને સરખી કરે છે ત્યારે હવાની દિશા પણ ફંટાઇ જ્યા છે. તેની લચકતી ચાલ ખુદ સમયને થંભી જવા માટે આહવાન કરે છે હવે મારા દોસ્ત! તું જ કહે કે મારા જેવો નિર્બળ હ્રદયનો માનવી આટઆઅટલા પ્રહારો કેવી રીતે સહન કરી શકે?

કહાની

જીવનમાં જોયા છે કેટલાયે ખૂબસૂરત ચહેરાઓ
એક ભલી-ભોળી તસવીર મારી આંખોને કામની છે
તને જ હરપળ જોવામાં પૂરી થાય આ જિંદગી
એક અધૂરી કલ્પના દોસ્તીના નવા આયામની છે.
ન જુઓ હથેળીમાં પડ્યા છે કેટલા છાલા
એ મહોર સ્મિત માટે ચુકવાયેલા દામની છે
દિલ જેવું મળે તો રાખી લેજે તારી પાસે
એ કિંમતી ચીજ તારા જ એક ગુલામની છે
તારા અક્ષરના મરોડને પુર્યો પાંપણમાં છતાં
લિખિતંગ કરી લખે છે ચિઠ્ઠિ કોઇ બેનામની છે
સારુ છે વિધિના લેખ કદી મિથ્યા નથી જતાં
તારા હાથમાં એક રેખા મારા નામની છે
દિલની વાત કહું કે નહી? એ મુંઝવણ
મારી જ નહીં મહેફિલમાં હાજર તમામની છે
એટલે જ લોકોને ખૂબ પસંદ પડી હશે
કહાની ખાલી પ્યાલી અને ઢોળાયેલ જામની છે

મના

મદમસ્ત એવી લચકતી ચાલ ચાલના
કેટલાયે મુસાફરોની મંઝિલ બની જઇશ
સંભાળીને રાખ તારા કાજળભર્યા નયન
બેફામ વરસના, કાતિલ બની જઇશ
આ રીતે ઝુલ્ફોને હાથોથી પસવારના
કેટલાયે શાયરોની ગઝલ બની જઇશ
આટલું ધ્યાન દઇને ગઝલ વાંચના
વિશાલના પ્રેમમાં પાગલ બની જઇશ

મુલાકાત

પ્રેમમાં પડનારને શા શુકન શા અપશુકન?
મુલાકાતની “કાળ”માં જ શરૂઆત થઇ હતી
તમારી વાહવાહના સમ છે દોસ્તો
રસ્તામાં પણ બિલાડી આડી ઉતરી હતી
અમે ધર્યો ખાલી ખોબો એમના તરફ
તેમણે ખુલ્લા દીલથી યાદોની લ્હાણી કરી હતી
બોલાઇ જાય જો થોડું ન ગમતું મારાથી
નજરોની બે-ત્રણ જાસા ચિઠ્ઠી મળી હતી
ભલેને પછી એ કચરાપેટીમાં ગઇ હોય
મારી ભેટ એના હાથને તો અડી હતી
વર્ષો જૂની ઇચ્છા આજે પુરી થઇ મ્હારી
એની સૂરતને કેમેરામાં કેદ કરી હતી
જતી વેળા “આવજો” આગળ ન એક શબ્દ
દિલમાં વણઉકેલ્યા સવાલોની કતાર છોડી હતી

મુશ્કેલ છે

તારા વિના એક ક્ષણ પણ જીવવું મુશ્કેલ છે
ન જો હોય સાથ અંતિમ પળમાં, મરવું મુશ્કેલ છે
પળભરનો વિયોગ તારો કરી ન શકું સહન
રૂંધાય છે મન મારું શ્વસવું મુશ્કેલ છે
ભલે તુ એક જ કહે નિર્ણય છે મારો સાચો
છો ને દુનિયા દુશ્મન થતી, ડગવું મુશ્કેલ છે
તારુ જો હોય પીઠબળ તો છું હું વિંધ્યાચળ
છો ને સમયની ઠોકર વાગતી, ખસવું મુશ્કેલ છે

નામ

તેને હું શું નામ આપું?
ઉષા સમયે વિખરાયેલા રંગોની છટાનું?
કે પછી તેના માટે જવાબદાર ખુદ સૂર્યનું?
કે પછી એ સૂર્યના પ્રથમ કિરણનું?
કે પછી એ કિરણમાં રહેલી ઉષ્માનું?
કે પછી એ ઉષ્મા સાથે કાર્ય-કારણનો સંબંધ ધરાવતી ગુલાબની નાજુક કળીનું?
કે પછી એ જ ગુલાબની પાંદડીઓ પરથી હળવેકથી સરકી જતી ઝાકળની બુંદોનું?
કે પછી એ જ ઝાકળના બુંદો એકાકાર થતાં રચાતા નિર્મળ ઝરણાનું?
કે પછી એ જ ઝરણો ભેગા થતા રચાતી નદીનું?
કે પછી એ જ નદીની પ્યાસ બુઝાવવા માટે સક્ષમ સાગરનું?
કે પછી એ જ સાગર પર હિલોળા લેતા તરંગોનું?
કે પછી એ જ તરંગો એકરૂપ થતાં રચાતા અવાજોનું?
કે પછી એ જ અવાજો સાથે સુર પુરાવતા પક્ષીઓના કલરવનું?
કે પછી એ જ કલરવ માટે સંગીત રચતી મંદિરની ઝાલરનું?
કે પછી એ જ ઝાલર સાથે બાથ ભીડતાં શંખનાદનું?
કે પછી એ જ શંખનાદ સાથે પ્રગટેલી મંદિરના દીવાની પવિત્ર જ્યોતનું?
કે પછી એ જ પવિત્ર જ્યોત સાથે ઇશ્વરને અર્પણ કરાતા ફૂલનું?
કે પછી એ જ ફૂલ સાથે ગૂંથાઇ ગયેલી અડગ શ્રધ્ધાનું?
કે પછી એ જ શ્રધ્ધાના હ્રદય સમા વિશ્વાસનું?
કે પછી એ જ વિશ્વાસ સાથે સમય વ્યતિત કરતાં ચાતકનું?
કે પછી એ જ ચાતકની પ્રિતમ એવી વરસાદની પ્રથમ હેલીનું?
કે પછી એ જ વરસાદની હેલીને કારણે આહલાદકતા અનુભવતા મારા હ્રદયનું?

પહેલી નજરનો પ્રેમ

બે-ચાર વાત થઇ અને એક-બે મુલાકાત થઇ
અમે વિચારતા રહ્યા અને શ્વાસો કોઇની સૌગાત થઇ
નિરાશાની ગર્તામાં ડૂબેલું હતું મન મારુ આયખાથી
જ્યારથી તું જીવનમાં આવી, મૃત આશાઓ હયાત થઇ
તારા જ સ્વપ્નનાં સાગરમાં છબછબીયાં કરે છે જિંદગી
નથી ખબર ક્યારે દિવસ અને ક્યારે રાત થઇ
બચપણથી જ હકૂમત ચલાવતો આવ્યો દિલ પર
ફક્ત એક મીઠી નજર અને મારી સત્તા મહાત થઇ

પીછો

તુ હરિયાળી ધરતી થઇશ તો હું અફાટ ગગન બનીશ
તુ જો થઇશ સુગંધી ફૂલ તો હું ગુલાબી અમન બનીશ
લઇ જ ઇશ હાથ ઝાલીને આખી દુનિયાની નજરા સામે
તુ જો થઇશ વરસતી વાદળી તો હું લહેરાતો પવન બનીશ
થઇશ જો તુ સાગરનું મોતી, મારે મરજીવો બનવું પડશે
ધરીશ ક્યારેય જો મૃગલીનુ રૂપ, તો હું સુંદરવન બનીશ.
બની શકે કે ન પામી શકે કોઇ તાગ તારો
તુ જો થઇશ અણીયાળો સવાલ તો હું જવાબ ગહન બનીશ.

સનમ

પરદા પાછળ રહી સઘળું દેખે છે સનમ
ગુલાબની આડમાં રહી ખુદ મહેકે છે સનમ
હાથતાળી દઇ છટકી જઉ જો કોઇ વાર
છેક સપનામાં આવીને મને પકડે છે સનમ
શરાબી નથી છતાં એક પછી એક ઊપાડું
નશાથી તરબતર જામમાં ઘળકે છે સનમ
“હું ચાહું છુ તને, શું તુ ચાહે છે મને?”
જવાબમાં બસ મીઠું મધુરુ મલકે છે સનમ
રૂપ થકી આંખમાં, શબ્દ થકી કાનમાં
યાદ થકી લોહીમાં ઘળકે છે સનમ
એક રાઝની વાત કહું? કોઇને કહેશો મા
વિશાલની કલમમાં રહી ગઝલો લખે છે સનમ

તારા માટે

ખ્વાબોમાં આવીને તને જગાડી જઇશ
દિવસે પણ તને સપના દેખાડી જઇશ
જિંદગીની કોઇ પળમાં જો ઉદાસ હોય તું
તારી એક મુસ્કાન માટે દુનિયાથી લડી જઇશ
જીવનની ગ્રીષ્મમાં પણ નાચી ઊઠીશ હરણી થૈ
ભીના શંખ-છીપલાથી તારો ખોબો ભરી જઇશ
તારા જીવનનો મારગ ભલેને હો કાંટાળો
પગ ઉપડશે એ પહેલા જ ફૂલો હું વેરી જઇશ
એકાંતની પળમાં પણ એકાંત ન લાગે માટે
આંગણની આંબાડાળે ગઝલના ટહુકા છોડી જઇશ
દાવાનળ લાગતા પછી વાર નહી લાગે “વિશાલ”
તારા દિલમાં પ્રેમ ચિનગારી ભડકાવી જઇશ