પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની દૈનિક લીલા

૧૩ જુલાઇ, ૨૦૧૭
શિકાગો

રાગ: મહા બળવંત માયા તમારી

ત્રણ વાગે ને ઊઠે દયાળ, ભજે હરિનામ પ્રતિપાળ,
સેવક સંતોના કર ગ્રહી, પ્રેમ પર્યંકથી ઊભા થઈ,

દંતધાવન સ્નાનાદિ કરે, પદ્માસને હરિધ્યાન ધરે,
હરિધર ધરે હરિનું ધ્યાન, તે તો નિજજન શિક્ષા પ્રમાણ.

પ્રાણાયામ કરે થોડીવાર, આપે ભક્તોને સુખ અપાર,
સહુ સંતો મળે ટોળે વળી, અનિમેષ આંખે હસ્ત જોડી.

પછી ભક્તોને દર્શન દેવા, આવે પ્રાંગણમાં અલબેલા.
ભ્રમણ કરે ઊપડતી ચાલે, સર્વે જન એ મૂર્તિમાં મ્હાલે.

ચાલે પગ નેત્ર કરે વાતો, જન આનંદ ઉર ન સમાતો,
ગાતરિયું ઊડે ઊંચેરા આભે, જોઇ મુનિવરના મન લોભે.

શોભે ઘણી ઊપડતી છાતી, જેની શોભા કહી નથી જાતી,
ત્રિવળી ને ઓપે કટિલંક, થાય કેસરીમાનનો ભંગ.

ભુજા નવનીતપીંડ સમાન, થતા દર્શન આપે કલ્યાણ,
કંઠી ઉપવીત શોભે છે ભારી, બાળી પાપ કલ્યાણ દેનારી.

ગ્રહી ગાતરિયું બાજગતિ, ફરી ઓઢે મારા પ્રાણપતિ,
ધન્ય ઘડી આ ધન્ય અવસર, લેખું જન્મ સુફળ આ પળ.

સર્વે જનને આશિષ દેતા, સુખ આપી દુઃખ ટાળી દેતા,
હરિકૃષ્ણ મહારાજની પાસે, પહોંચે ઉતાવળે શ્વાસોચ્છ્વાસે.

કરે પૂજા થઈ સાવધાન, થાએ મૂર્તિમાં ગુલતાન.
કરે માળા ભક્ત સુખ કાજ, વિનવે હરિકૃષ્ણ મહારાજ.

પૂજા પૂરી થયે હસ્ત જોડી, અમીદૃષ્ટિ ભક્તો પર પાડી,
પ્રેરે દાસ થવા ભક્તજન, કરે વિષય માન ખંડન.

સંપ સુહૃદ એકતાપાણું, એ તો ગમે અતિશય ઘણું,
એમ વેણ વ્હાલપે ઉચ્ચારે, ત્યાંથી નિજ આવાસે પધારે.

આંખ ઇશારે સમજાવે વાત, થોડું બોલીને કરે રળિયાત,
ભ્રુકુટિ બાણે ઉત્તર આપે, આછેરા સ્મિતે સંશય કાપે,

ભક્તો સંતોની ભીડમાં રહે, બાળ દેખતા નેહડો વહે.
હરિકૃષ્ણ મહારાજ ન ભૂલે, અહર્નિશ ભક્તિમાં ઝૂલે.

આવે બ્રહ્મસુધારસ રેલો, જ્યારે પોઢવા પધારે છેલો,
દાસ વિશાલ કહે ધન્ય ઘડી, મહંતસ્વામીની લીલા વર્ણવી.

૧૧ જુલાઇ, ૨૦૧૭ ની સવારે પ.પૂ. મહંતસ્વામી મહારાજની પ્રાતઃપૂજા દરમિયાન શિકાગો કિશોરી મંડળ દ્વારા લખાયેલ અદ્‌ભૂત પ્રાર્થના કિર્તનવૃંદ દ્વારા ગવાઇ કે જેનો રાગ “મહા બળવંત માયા તમારી” નો હતો. એ જ દિવસે સવારે સંતોના પ્રવચનમાં ઉલ્લેખ આવ્યો કે પ.પૂ. શાસ્ત્રીજી મહારાજના દૈનિક લીલાના પદો ઉપલબ્ધ છે. તેનાથી મને વિચાર આવ્યો કે આ જ રાગ પર પ.પૂ. મહંતસ્વામી મહારાજની દૈનિક લીલાનું વર્ણન કરતું એક પદ લખું. ૨૦૦૭ પછી એક પણ અક્ષર કાગળ પર ન પાડનારને માટે આ કામ કપરું હતું પરંતુ જેને માટે લખવાનું હતું તેમણે જ શબ્દો સુઝાડ્યા.