આપને

જીવનના અંત સુધીની તારી રંગત આપને,
અવિનાશી અનંત હોય એવી કોઇ રંગત આપને
દુનિયા આખીને સઘળું લૂંટાવતો ફરે છે તું,
મારા પર પણ અમિદ્રષ્ટિ કર, ચીજ કંઇક અંગત આપને
એમ નથી કહેતો સુખનો અભિલાષી છુ હું
દુઃખ જો આપ બક્ષિસમાં હિંમત આપને
સારથિ છો જીવનરથનો, એટલે જ ચિંતા નથી
સામી છાતીએ લડી લ ઇશ પહાડો જેવડી આફત આપને
છોને દુનિયા આખીને વિસારી જઉ હું,
હરપળ તને યાદ કરું, શ્વાસ જેવી કોઇ આદત આપને
નફરતના વટવૃક્ષનો જડમૂળથી નાશ કરી
દરેક દીલમાં પ્રેમ રોપું કીમિયો કોઇ કારગત આપને

આપી દીધા

એમની રહેમતની તો હું શું વાર કરુ?
ડૂબવાની અણી પર હતા તો કિનારા આપી દીધા.
અંધારી અમાસી રાતે ડગ માંડવા કઇ રીતે?
હૈયામાં હામ હતી તો ચમકારા આપી દીધા.
ચાંદ પકડવા ખુલ્લી હવામાં હાથ જો વિંઝ્યો
મુઠ્ઠી ખોલીને જોયું તો સિતારા આપી દીધા.
ભુલી જ જાઉ કદી એક માનવી તરીકેનું કર્તવ્ય
જીવનના જળ થોડા ખારા આપી દીધા.
સફળતાના નશામાં ઉડ્યો જો ઊંચા આકાશમાં
ધરતી પર ચલાવવા નિષ્ફળતાના ભારા આપી દીધા
નિરાશાની ખીણમાં ફંગોળાઇ જો પડ્યો
આશાથી મઘમઘતા ગુબ્બારા આપી દીધા.
ખબર છે તને કે લાડ બહુ સારા નહી
મર્યાદા ઓળંગી તો બે-ચાર ડારા આપી દીધા.
સંસારમાં રહેવું અને સંસારથી રહેવું અળગું
કઠિન હતું તો તુલસીના પારા આપી દીધા.

તમે જ છો

જગતના સધળા સુખનુ કારણ તમે જ છો
માનવ મનના દુઃખનુ મારણ તમે જ છો
કહે છે લોકો શૂન્યમાંથી થયું સર્જન
મારા માટે એ શૂન્ય પણ તમે જ છો
કર્મો ભોગવવા એ નસીબની વાત છે
વિરડીને ધરબેલું રણ તમે જ છો
મારે મન તમે જ ઇદ અને દિવાળી
રંગ લઇ આવતો ફાગણ તમે જ છો
પોતાને જ સર્વસ્વ માને જ્યારે વિદ્વાનો
સાચને પારખતી મુંઝવણ તમે જ છો
તલભાર ન ડગે પથ્થરમાંથી શ્રધ્ધા જ્યારે
અંધકારમાં પ્રકાશનું કિરણ તમે જ છો
દુનિયા પૈસાથી પોતાનો વ્યવહાર ચલાવે છે
મારા વ્યવહારનુ ચલણ તમે જ છો
તમે જ છો દયાસિંધુ ક્ષમાના સાગર,
પ્રેમનું અવિરત ઝરણ તમે જ છો
તમારા જ કરકમળ ઝુલાવે છે પારણામાં
મરણ વખતે ઓઢાતું ખાંપણ તમે જ છો
આખરે પંચમહાભુતમાં ભળી જાય નશ્વર દેહ
મુક્તિના આનંદની આખરી ક્ષણ તમે જ છો.