એ આ જ જગા છે

પ્રેમનો કર્યો હતો એકરાર એ આ જ જગા છે
ધરાઇને કર્યો હતો પ્યાર, એ આ જ જગા છે
શરૂઆતમાં કેટલીક પળ, પછી કલાક પછી દિન-રાત
તારા જ ચાલતા હતા વિચાર એ આ જ જગા છે
રુપાની ઘંટડી જેવો આવતો અવાજ ‘અરે વિશાલ’
અને દિલના ઝણઝણતા તાર, એ આ જ જગા છે
કારણ શું હતુ કે મને આપેલ વચન તોડ્યા
નાજુક દિલમાં ખૂંપી કટાર, એ આ જ જગા છે
સ્વપ્નમાંય કદી ચાહ્યું નહોતુ એવું બની ગયુ
થઇ તારા જ દુઃખની કતાર, એ આ જ જગા છે
હું તો ચાહતો હતો તને જીવનભર સુખી જોવા
આખરે મારી જ થઇ હાર, એ આ જ જગા છે

કસમ

જ્યારથી તે મને તારી જિંદગીમાંથી બેદખલ કરી દીધો હતો
ત્યારથી જ હ્રદયમાં એક આગ સળગ્યા કરતી હતી નફરતની.
કસમ લીધી હતી કે
જિંદગીમા કદી પણ તારુ મોં નહી જોઉ જો કદાચ કોઇ ગલી કે કોઇ
રસ્તા પર મળવાનું થશે તો હું મારો રસ્તો બદલી લઇશ.
પરંતુ
આજે જ્યારે આપણે મળ્યા અને જ્યારે
તારા (એક સમયના મારી માલિકીના) હોઠો પર સ્મિત રેલાયું ત્યારે
આ નયનોના સરવાળામાં એ કસમનો છેદ ક્યારે ઉડી ગયો એ ખબર જ ન પડી.
અને દિલ પણ એવું જ હસતું ખીલતું બની ગયું જેવું મેં તને આપેલું હતું.
અત્યારે નાઇટલેમ્પના આછા અજવાળામાં સુતા સુતા વિચારુ છુ કે
એ સ્મિતમાં એવી તે કઇ જાદુગરી હતી કે કાળા ખડક જેવી કસમને
પળવારમાં મીણ બનાવી દીધી?

માંગે છે

ફક્ત બે-ચાર ટુકડા થયા છે થોડી દવા માંગે છે
એક દિલ પ્રેમ ચિનગારી ભડકાવવા હવા માંગે છે.
માત્ર હું અને તું જ, ન હોય કોઇ ચહલપહલ બીજી
એક અજનબી રાત, શમણાં પણ કેવા માંગે છે.
ભલે અંધકાર હો મારા જીવનની હરેક પળમાં
આ દિલ સખી! તારી રાહમાં લાખો દીવા માંગે છે.
મારા શબ્દો પર ભરોસો ન હોય તો પૂછ ઇશ્વરને
આ હોઠ હર પળ તારા માટે જ દુવા માંગે છે.
મારુ જીવન કદાચ તને નહી લાવી મારી પાસે
દગાબાજ શ્વાસો જો! મારા મરણની અફવા માંગે છે.
અમે તો છીએ વિસરાઇ ગયેલી કથની નાની
મારા મરશીયા તારા જીવનના ગીત નવા માંગે છે.