પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની દૈનિક લીલા

૧૩ જુલાઇ, ૨૦૧૭
શિકાગો

રાગ: મહા બળવંત માયા તમારી

ત્રણ વાગે ને ઊઠે દયાળ, ભજે હરિનામ પ્રતિપાળ,
સેવક સંતોના કર ગ્રહી, પ્રેમ પર્યંકથી ઊભા થઈ,

દંતધાવન સ્નાનાદિ કરે, પદ્માસને હરિધ્યાન ધરે,
હરિધર ધરે હરિનું ધ્યાન, તે તો નિજજન શિક્ષા પ્રમાણ.

પ્રાણાયામ કરે થોડીવાર, આપે ભક્તોને સુખ અપાર,
સહુ સંતો મળે ટોળે વળી, અનિમેષ આંખે હસ્ત જોડી.

પછી ભક્તોને દર્શન દેવા, આવે પ્રાંગણમાં અલબેલા.
ભ્રમણ કરે ઊપડતી ચાલે, સર્વે જન એ મૂર્તિમાં મ્હાલે.

ચાલે પગ નેત્ર કરે વાતો, જન આનંદ ઉર ન સમાતો,
ગાતરિયું ઊડે ઊંચેરા આભે, જોઇ મુનિવરના મન લોભે.

શોભે ઘણી ઊપડતી છાતી, જેની શોભા કહી નથી જાતી,
ત્રિવળી ને ઓપે કટિલંક, થાય કેસરીમાનનો ભંગ.

ભુજા નવનીતપીંડ સમાન, થતા દર્શન આપે કલ્યાણ,
કંઠી ઉપવીત શોભે છે ભારી, બાળી પાપ કલ્યાણ દેનારી.

ગ્રહી ગાતરિયું બાજગતિ, ફરી ઓઢે મારા પ્રાણપતિ,
ધન્ય ઘડી આ ધન્ય અવસર, લેખું જન્મ સુફળ આ પળ.

સર્વે જનને આશિષ દેતા, સુખ આપી દુઃખ ટાળી દેતા,
હરિકૃષ્ણ મહારાજની પાસે, પહોંચે ઉતાવળે શ્વાસોચ્છ્વાસે.

કરે પૂજા થઈ સાવધાન, થાએ મૂર્તિમાં ગુલતાન.
કરે માળા ભક્ત સુખ કાજ, વિનવે હરિકૃષ્ણ મહારાજ.

પૂજા પૂરી થયે હસ્ત જોડી, અમીદૃષ્ટિ ભક્તો પર પાડી,
પ્રેરે દાસ થવા ભક્તજન, કરે વિષય માન ખંડન.

સંપ સુહૃદ એકતાપાણું, એ તો ગમે અતિશય ઘણું,
એમ વેણ વ્હાલપે ઉચ્ચારે, ત્યાંથી નિજ આવાસે પધારે.

આંખ ઇશારે સમજાવે વાત, થોડું બોલીને કરે રળિયાત,
ભ્રુકુટિ બાણે ઉત્તર આપે, આછેરા સ્મિતે સંશય કાપે,

ભક્તો સંતોની ભીડમાં રહે, બાળ દેખતા નેહડો વહે.
હરિકૃષ્ણ મહારાજ ન ભૂલે, અહર્નિશ ભક્તિમાં ઝૂલે.

આવે બ્રહ્મસુધારસ રેલો, જ્યારે પોઢવા પધારે છેલો,
દાસ વિશાલ કહે ધન્ય ઘડી, મહંતસ્વામીની લીલા વર્ણવી.

૧૧ જુલાઇ, ૨૦૧૭ ની સવારે પ.પૂ. મહંતસ્વામી મહારાજની પ્રાતઃપૂજા દરમિયાન શિકાગો કિશોરી મંડળ દ્વારા લખાયેલ અદ્‌ભૂત પ્રાર્થના કિર્તનવૃંદ દ્વારા ગવાઇ કે જેનો રાગ “મહા બળવંત માયા તમારી” નો હતો. એ જ દિવસે સવારે સંતોના પ્રવચનમાં ઉલ્લેખ આવ્યો કે પ.પૂ. શાસ્ત્રીજી મહારાજના દૈનિક લીલાના પદો ઉપલબ્ધ છે. તેનાથી મને વિચાર આવ્યો કે આ જ રાગ પર પ.પૂ. મહંતસ્વામી મહારાજની દૈનિક લીલાનું વર્ણન કરતું એક પદ લખું. ૨૦૦૭ પછી એક પણ અક્ષર કાગળ પર ન પાડનારને માટે આ કામ કપરું હતું પરંતુ જેને માટે લખવાનું હતું તેમણે જ શબ્દો સુઝાડ્યા.

ફાયર એલાર્મ

ફાયર એલાર્મ સાંભળ્યો
અને હું રૂમની બહાર નીકળી ગયો
ત્યારે
એક વિચાર આવ્યો.
તે મારા દિલમાં લગાડેલી પ્રેમની
આગનો ફાયર એલાર્મ વાગ્યો
એ તે સાંભળ્યો હશે?

કોને જોઇએ છે?

છે ડૂબવાની મજા મજધારે, સાહિલ કોને જોઇએ છે?
ફના થઇ જવું છે કેડી પર, મંઝિલ કોને જોઇએ છે?
શું સાથે લાવ્યા હતા? શું સાથે લઇ જવાના?
બે ગજ બસ છે, બ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે?
અમે તો છીએ પ્રત્યંચા, ધુરંધારી પાર્થના ગાંડિવની,
નથી કંઇ પતંગની દોર, ઢીલ કોને જોઇએ છે?
થોડી લાગણી બતાવી અમારે મન અહો-અહો
જિંદગી આરામથી પસાર થશે, દિલ કોને જોઇએ છે?
ફેફસામાં પુરી રાખી છે, કોઇની યાદોને અકબંધ
નથી કંઇ અનલ, હવે અનિલ કોને જોઇએ છે?
જિંદગીથી કંટાળી જઇશું ત્યારે ચોક્કસ યાદ કરીશું
એક નજર કરી લેજો, વિષ કાતિલ કોને જોઇએ છે?

ઘૃણા

તુ ચાલી ગ ઇ જીવનમાંથી તો ક્યુ આભ ફાટ્યુ?
થાય છે અસર ઢેફાને પાણીથી કાળમીંઢ પીગળતા નથી.
એટલી સલાહ આપી શકું બચીને રહેજે અમારાથી
છીએ એક ગ્રહણ, લાગી જાય તો પછી ટળતા નથી.
ભુલથી પણ સામે ન આવતી આવતા જન્મે,
નનામી સાથે કદી નફરતના બીજ બળતા નથી.
થોડી મુશ્કેલી પડે અને ખરી પડે એ નાજુક સિતારા
અમે એ સુર્ય છીએ જે સંધ્યા સમયે પણ ઢળતા નથી.
આજે ખબર પડી પ્રેમમાં પણ લાયકાત જરૂરી છે.
સરિતા જ સક્ષમ હોય, સરોવર સાગરમાં ભળતા નથી.
હવે જ મારો જિંદગી સાથે સાચો ઘરોબો થયો
ગાંઠ બંધાઇ હતી કે ખોવાયેલા રત્નો મળતા નથી.

મનોમંથન

ડાબા હાથથી
પીઠ પાછળ લટકતો
સાડીનો પાલવ સરખો કરતી
અને
જમણા હાથથી
ડાબી વાળની લટને પાછળ સરકાવતી
યુવતિને જોઇને
મને તારી યાદ કેમ આવી જાય છે?

બાકી શું વધશે?

દરિયામાંથી મોજા કાઢી નાખશો તો બાકી શું વધશે?
પંખીડાની પાંખો કાપી નાખશો તો બાકી શું વધશે?
એક જ ચીજ બાકી રહી ગઇ છે સકળ જગતમાં
બ્રહ્માંડની પહોળાઇ માપી નાખશો તો બાકી શું વધશે?
આચ્છાદિત રહેવા દો એમને ગુમનામ રહેવા દો
ભુતકાળને ઝાપટી નાખશો તો બાકી શું વધશે?
પહેલી જ વાર આવ્યા હોય બાદશાહ, બેગમ, ગુલામ
શ્વાસોના પત્તાને ચીપી નાખશો તો બાકી શું વધશે?

હાઇકુ

સેતુ બંધાયા
શહેરો જોડ્યા ક્યાં છે
હ્રદયસેતું?

ગજબ થયો
ઘૂંઘટની આડમાં
રવિ છુપાયો

જાગતો સુર્ય
ઊંઘતો ઝડપાયો
શી બનાવટ?

કેવી લાચારી
ઘુઘવતો દરિયો
કાચની પાર

પરીક્ષા

હૈયે હરખ ઘણોય થાય છે
કે આજે પરીક્ષા પૂરી થાય છે
ચાલો વગાડીએ ઢોલ-નગારા
કે આજે પરીક્ષા પૂરી થાય છે
ઉજાગરાથી આંખો છે રાતી
મારી મહેનતની ચાડી ખાતી
છતાં થાક ના અનુભવાય છે
કે આજે પરીક્ષા પૂરી થાય છે
ફગાવી દફતર પાટી પેન
હું ચાલ્યો રમવા એન-ઘેન
હવે ગણવેશમાં ડાઘા થાય છે.
કે આજે પરીક્ષા પૂરી થાય છે
હવે તો છૂટથી હરીશું-ફરીશું
વહેતા પવનની સાથે રમીશું
સમયનું બંધન ના જણાય છે
કે આજે પરીક્ષા પૂરી થાય છે

તારો જવાબ

વરસોથી સળગતો એક પ્રશ્ન પુછુ તો તારો જવાબ શું હશે?
પ્રેમથી નીતરતો એક પત્ર લખુ તો તારો જવાબ શુ હશે?
પહેલી વખત ના પાડવાની આદત હોય છે સ્ત્રીઓને
બીજી વખત પ્રેમનો પ્રસ્તાવ મૂકુ તો તારો જવાબ શુ હશે?
હજી પણ આવે છે યાદમાં તો ક્યારેક આંસું બની આંખમાં
ભુલી ગયો તને એમ બોલું ખોટું તો તારો જવાબ શુ હશે?
હજી પણ વિશાલના દિલમાં ઘૂઘવે છે આશાનો સાગર
પ્રેમથી તરબતર ગુલાબ આપુ, તો તારો જવાબ શું હશે?

શું કરશો તમે

જેની સાથે જોડાયુ હતું એ નામ જાણીને શું કરશો તમે?
નાહકની અમારા જ હિસ્સાની વેદના અનુભવશો તમે.
બે-ચાર પંક્તિ વાંચતા જ દેખાય છે ઝળઝળીયા આંખમાં
નથી વાંચવું પ્રીતપુરાણ પુરુ થતાં ચોધાર રડશો તમે
આંખોમાં આશ, ફેફસામાં શ્વાસ લઇ હજી બેઠો છે વિશાલ
જીવન તો ગયુ એનું, મરણ સુધારવા કરગરશો તમે.
મિત્રભાવે વણમાગી સલાહ આપું છુ કબુલ રાખજો
પ્રેમ ન કરતાં, નહી તો મારી જેમ રઝળશો તમે