નામ

Category: પ્રેમ

તેને હું શું નામ આપું?
ઉષા સમયે વિખરાયેલા રંગોની છટાનું?
કે પછી તેના માટે જવાબદાર ખુદ સૂર્યનું?
કે પછી એ સૂર્યના પ્રથમ કિરણનું?
કે પછી એ કિરણમાં રહેલી ઉષ્માનું?
કે પછી એ ઉષ્મા સાથે કાર્ય-કારણનો સંબંધ ધરાવતી ગુલાબની નાજુક કળીનું?
કે પછી એ જ ગુલાબની પાંદડીઓ પરથી હળવેકથી સરકી જતી ઝાકળની બુંદોનું?
કે પછી એ જ ઝાકળના બુંદો એકાકાર થતાં રચાતા નિર્મળ ઝરણાનું?
કે પછી એ જ ઝરણો ભેગા થતા રચાતી નદીનું?
કે પછી એ જ નદીની પ્યાસ બુઝાવવા માટે સક્ષમ સાગરનું?
કે પછી એ જ સાગર પર હિલોળા લેતા તરંગોનું?
કે પછી એ જ તરંગો એકરૂપ થતાં રચાતા અવાજોનું?
કે પછી એ જ અવાજો સાથે સુર પુરાવતા પક્ષીઓના કલરવનું?
કે પછી એ જ કલરવ માટે સંગીત રચતી મંદિરની ઝાલરનું?
કે પછી એ જ ઝાલર સાથે બાથ ભીડતાં શંખનાદનું?
કે પછી એ જ શંખનાદ સાથે પ્રગટેલી મંદિરના દીવાની પવિત્ર જ્યોતનું?
કે પછી એ જ પવિત્ર જ્યોત સાથે ઇશ્વરને અર્પણ કરાતા ફૂલનું?
કે પછી એ જ ફૂલ સાથે ગૂંથાઇ ગયેલી અડગ શ્રધ્ધાનું?
કે પછી એ જ શ્રધ્ધાના હ્રદય સમા વિશ્વાસનું?
કે પછી એ જ વિશ્વાસ સાથે સમય વ્યતિત કરતાં ચાતકનું?
કે પછી એ જ ચાતકની પ્રિતમ એવી વરસાદની પ્રથમ હેલીનું?
કે પછી એ જ વરસાદની હેલીને કારણે આહલાદકતા અનુભવતા મારા હ્રદયનું?

Share

2 comments

  1. Suresh Jani says:

    અરે વિશાલ ! તારો ખજાનો તો ગજબનો છે. પણ હવે તકલીફ એ થઇ છે કે આમ કોઇ ધ્યાન દોરે ત્યારે જ આવી અદભૂત જૂની પોસ્ટ વંચાય છે!
    માણસની ખૂબી એ છે કે તેને નિત્ય નવું જોઇએ છે !!

  2. વિવેક says:

    સુંદર કવિતા… સુરેશભાઈની વાત સાચી છે… જૂની કૃતિઓ તરફ આ રીતે જ ધ્યાન દોરી શકાય છે…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *